કારકિર્દી પસંદ કરતી વખતે આવી ભૂલો ક્યારેય ના કરવી

કારકિર્દી પસંદ કરતી વખતે ઘણી બાબતો તમારા મનમાં ચાલતી હોય છે. તમે એવી કારકિર્દી પસંદ કરવા ઇચ્છશો જેમાં લાંબા સમય સુધી તમે સફળતાનો અનુભવ કરી શકો. દરેક વ્યક્તિ સ્થિર અને સારું આર્થિક વળતર આપતી કારકિર્દી ઇચ્છતી હોય છે. આથી તમારે એવો વ્યવસાય પસંદ કરવો જોઇએ તે તમારે માટે અનુકૂળ હોય અને ભવિષ્યમાં સારું આર્થિક વળતર પણ આપી શકે. પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. કારકિર્દી પસંદ કરતી વખતે શું કરવું એની ચર્ચા તમે ઘણી કરી હશે પરંતુ અહી આપણે જોઈશું કે અને કારકિર્દી વિષયક નિર્ણયો લેતી વખતે કેવી ભૂલો ન કરવી, જે આ પ્રમાણે છે.

બીજાઓની સલાહને વધુ પડતું મહત્વ આપવું:

તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જે તમને કારકિર્દી વિષયક સલાહ આપશે. જેઓ તમને જણાવશે કે તમારે શું કરવું જોઈએ. તેઓ તમારા માતા પિતા, મિત્રો, સબંધીઓ કે કોઈ પણ નજીકની વ્યક્તિ હોઇ શકે. પરંતુ કારકિર્દી પસંદ કરતી વખતે આખરી નિર્ણય તમારો જ હોવો જોઇએ. તમે જે નિર્ણય લેશો એ તમારી જિંદગી ને ખૂબ અસર પહોચાડશે. બીજાની જિંદગી પર એની કોઈ અસર ભાગ્યે જ પડશે. આથી તમારા નિર્ણય તમે ખુદ લો. એવું કામ પસંદ કરો જે કરવું તમને ગમતું હોય, જેનાથી તમે આત્મસંતોષ અનુભવતા હો.

અન્યના પગલે ચાલવું:

ઘણી વખત તમારા પર તમારા પિતા કે માતાના વ્યવસાય ને જ  કારકિર્દી તરીકે અપનાવવાનું સીધું કે આડકતરું દબાણ આવતું હોય છે. પરંતુ આવા દબાણ ને વશ ન થાઓ. તમે અત્યારે સુધી જોયું ને અનુભવયુ પણ હશે કે માતા પિતાના વ્યવસાયમાં તેઓ સફળ થયા  છે, અને આ એ જ વ્યવસાય છે જેના લીધે તમે તમારી આવશ્યકતાઓ પૂરી કરી ને આગળ આવ્યા. પરંતુ દરેક વ્યક્તિની પ્રતિભા તેમજ પસંદગી અલગ હોય છે. જે વ્યવસાયમાં તમારા માતા પિતા સફળ થયા તેમાં જ તમારે આગળ વધવું જોઈએ એવા દબાણ ને વશ થયા વગર સ્વતંત્ર નિર્ણય શક્તિ અને તમારા અંતરાત્માના અવાજથી દોરવાઈ ને કારકિર્દી પસંદ કરશો.

પૂર્વતૈયારી ન કરવી:

જે નોકરી કે વ્યવસાય કરવા ઇચ્છતા હો તેના વિષે પૂરતી માહિતી મેળવ્યા વગર કારકિર્દી પસંદ કરવાની ભૂલ ન કરશો. નોકરીના પ્રકાર ઉપરાંત અન્ય માહિતી જેવીકે જે તે પદની ચોક્કસ જવાબદારીઓ, શૈક્ષણિક લાયકાતો તેમજ આર્થિક વળતર વગેરે અંગે પૂરતી માહિતી એકઠી કરી લેવી જોઈએ. અધૂરી માહિતી લઈ ને લીધેલા નિર્ણયો તમારી સફળતા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

કામનો આત્મસંતોષ અને આર્થિક વળતર:

આ બંને પાસા કારકિર્દી પસંદ કરવામાં ખૂબ મહત્વના છે. પરંતુ ઘણી વાર એવું પણ બને કે તે બંને એક સાથે પ્રાપ્ત ન થઈ શકે. બની શકે કે તમને કોઈ વ્યવસાયમાં ખૂબ આકર્ષક પગાર મળતો હોય પરંતુ એ કામ કરવામાં તમે આનંદ કે આત્મસંતોષ ન અનુભવતા હો. આવા સમયે કામ નો સંતોષ તેમજ આર્થિક વળતર બંનેની સમતુલા જાળવવી ખૂબ મહત્વની બની જાય છે. સફળ અને લાંબા ગાળાની સિદ્ધિ માટે તમારી કારકિર્દી પસંદ કરતી વખતે માત્ર ઊંચા આર્થિક વળતરને જ નહીં પરંતુ ક્યાં પ્રકારનું કામ તમને આત્મસંતોષ આપી શકે છે એ નક્કી કરવું પણ જરૂરી છે.

સ્વની અવગણના:

તમારા વ્યક્તિત્વનો પ્રકાર, રસ, રુચિ અને વલણો કોઈ ખાસ કારકિર્દીના વિકલ્પ માટે સહાયરૂપ કે વરદાનરુપ હોય છે. તેને ઓળખી લેવા જરૂરી છે. આ વલણો કુદરતી છે જેને બદલવા લગભગ અશક્ય છે. કારકિર્દી પસંદ કરતી વખતે જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે.  કોઈ વ્યક્તિમાં ખૂબ સારી વકતૃત્વકલા હોય તો તે બહુ સારો શિક્ષક, ઉદઘોષક કે ટ્રેનર બની શકે છે. પોતાની પ્રતિભા તેમજ રુચિ ને ધ્યાનમાં લઈ કારકિર્દી પસંદ કરવાથી સફળતાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.

સીમિત વિસ્તારને જ અગ્રિમતા આપવી:

અમુક પ્રકારની કારકિર્દીના વિકલ્પો મોટા શહેરો અથવા કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ સુલભ હોય છે. જો તમે એવા શહેર કે ગામ માં રહેતા હો જ્યાં તમારા ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો નહિવત હોય અને તમે બીજે સ્થાયી થવા પણ ઇચ્છતા ન હો તો તમને નોકરી મળવામાં મુશ્કેલી થઈ શકે છે. આથી પોતે જેમાં અભ્યાસ કરેલ હોય અથવા જે રસનું ક્ષેત્ર હોય તેના માટે અન્ય સ્થળે જવાની માનસિક તૈયારી સફળ કારકિર્દી માટે ખૂબ જરૂરી છે.

દૂરદર્શી ન બનવું:

વર્તમાન સમયમાં શ્રેષ્ઠ ગણાતા અથવા સૌથી વધુ લોકપ્રિય ગણાતા વ્યવસાયો કે કારકિર્દી પસંદ કરવામાં જો તેના ભવિષ્યનમાં તેની કેવી માંગ હશે તેનો અંદાજ કાઢવામાં ન આવે તો શક્ય છે કે તમે કારકિર્દી પસંદ કરવામાં ભૂલ કરી બેસો. આજના આધુનિક સમયમાં આ પ્રકારના occupation outlook આસાની થી મળી શકે છે જેનો અભ્યાસ કરી તમે આવનારા સમયમાં તેની સ્થિતિનો અંદાજ લગાવી શકો છો. જેમ કે તે વ્યવસાયની કેવી માંગ રહેશે, તે વિકાસ કરશે અથવા તો સ્થિર રહી શકશે કે નહીં વગેર. ટૂકમાં આવનાર સમયમાં તે વ્યવસાયમાં તકો કેવી રહેશે એ જાણ્યા વગર માત્ર ટોપ લિસ્ટ માં હોવાથી કારકિર્દી પસંદ કરવી હિતાવહ નથી.