ધોરણ ૧૨ પછી શિક્ષક તરીકે ની કારકિર્દી શા માટે પસંદ કરવી જોઈએ? આ રહ્યા દસ કારણો…

અધ્યાપન એ કોઈ સામાન્ય વ્યવસાય નથી. આ વ્યવસાય દરેક વ્યક્તિ અપનાવી પણ ન શકે. ચાણક્યના શબ્દો માં જોઈએ તો “શિક્ષક ક્યારેક સાધારણ નથી હોતો; પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે”. આ શબ્દો એક શિક્ષકના મહત્વ વિષે ઘણું બધુ કહી જાય છે. અને કદાચ એટલે જ ઘણા લોકો આ વ્યવસાયમાં પડ્યા પછી થોડા જ સમયમાં તેને છોડી પણ દેતા હોય છે. પરંતુ આ ઉમદા વ્યવસાયના પોતાના લાભો હોય છે. અહી કેટલાક એવા કારણો આપવામાં આવ્યા છે જે દર્શાવે છે કે અધ્યાપન કઈ રીતે એક ઉમદા વ્યવસાય છે.

૧. વિદ્યાર્થીની પ્રતિભા :

આપના વર્ગમાં રહેલા દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ પ્રતિભા (ટેલેન્ટ) છુપાયેલી હોય છે. ઘણીવાર આ પ્રતિભા તરત બહાર નથી આવતી અથવા તાત્કાલિક સફળતામાં નથી પરિણામતી. પરંતુ એનાથી શિક્ષકે હતાશ ન થવું જોઇએ. શિક્ષક તરીકે દર વર્ષે તમારી સામે નવી પ્રતિભાઓ અને નવા પડકારો આવશે.

૨. વિદ્યાર્થીની સફળતા:

શરૂઆતમાં વિદ્યાર્થીને ના સમજાયેલ બાબત જ્યારે શિક્ષકની મદદ દ્વારા સમજાય છે ત્યારે એ અનુભવ શિક્ષક માટે આનદદાયક હોય છે. તમે એક શિક્ષક તરીકે જ્યારે એવા વિદ્યાર્થીને શીખવવામાં સફળ થાઓ છો જેના માટે એવું માનવામાં આવતું હોય કે એ ક્યારેય શીખી નહીં શકે તો એ એક સિદ્ધિ મેળવ્યાનો અનુભવ કરાવે છે. આ સિદ્ધિ મળ્યાનો આનંદ તમને આ વ્યવસાયમાં નડેલ બધી મુશ્કેલીઓને ભૂલવામાં ઉપકારક નીવડે છે.

3. ભણાવતા ભણાવતા તમે ખુદ શિખો છો:

કહેવાય છે કે શિક્ષક પોતે આજીવન વિદ્યાર્થી હોય છે. શીખવાની પ્રક્રિયા જીવનપર્યંત ચાલે છે. અને તમે જ્યારે કોઈ મુદ્દો વિદ્યાર્થીને ભણાવો છો ત્યારે તમે તેને શ્રેષ્ઠ રીતે શિખો પણ છો. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, તેમના પ્રશ્નો અને તેમની જ્ઞાનની ભૂખ તમને એ વિષયને વધુ ને વધુ ઊંડાણથી શીખવા માટે પ્રેરે છે. જે એક શિક્ષકને પોતાના વિષયમાં વધુ ને વધુ નિષ્ણાત બનાવે છે.

૪. રોજીંદી રમૂજ:

જો તમે શિક્ષક છો તો રમૂજ અને હળવું વાતાવરણ તમારા જીવનનો કાયમી હિસ્સો બની શકે છે. તમે હકારાત્મક વિચારસરણી અને રમૂજવૃત્તિ ધરાવતા હશો તો તમને મુક્ત મને હસવા માટે અને રમૂજ માટે દરરોજ કોઈ ને કોઈ બાબત મળી આવશે. તમને હાસ્ય તમારા વિદ્યાર્થીઓમાથી મળી શકે છે. બાળકો કોઈ રમૂજી બાબત તમારી સાથે શેર કરે અથવા કોઈ પરિસ્થિતિજન્ય હાસ્ય પણ વાતવારણને હળવું બનાવે છે. બાળકોએ અજાણતા જ અથવા સમજ્યા વિના કરેલું કોઈ વિધાન ક્યારેક હસાવનારું બની રહે છે. આમ બાળકો સાથે રહેવાથી તમે આનંદિત અને હળવા રહી શકો છો.

5. ભવિષ્યના ઘડવૈયા:

આ વાક્ય ભલે ખૂબ જૂનું અને રૂઢિગત લાગે પરંતુ સાચું છે. દરરોજ શિક્ષક વર્ગમાં બાળકનું ભવિષ્ય નિર્માણ કરે છે. કહેવાય છે કે શાળા એ બાળકનું બીજું ઘર છે. ખરેખર તો એ દિવસનો મોટા ભાગ નો સમય શાળામાં શિક્ષક સાથે પસાર કરે છે. આથી શિક્ષકનું તેના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ઘણા બાળકો તો પોતાના માતા પિતા કરતાં વધુ સમય શિક્ષક સાથે પસાર કરતાં હોય એમ જોવા મળે છે. આથી કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય નિર્માણ દ્વારા શિક્ષક રાષ્ટ્રનિર્માણના એક અતિમહત્વના કાર્યમાં પણ સામેલ થાય છે.

૬. સદા યુવાન રહેવું:

હમેશા યુવાન અને નાની ઉમરના વ્યક્તિઓ સાથે કામ કરવાથી તમે નવીન પ્રવાહોથી વાકેફ રહો છો અને રૂઢિગત પ્રણાલિકાઓમાથી બહાર આવી શકો છો. તમે હમેશા પ્રફુલ્લિત અને નવિન્યસભર વાતાવરણમાં રહી શકો છે.

૭. વર્ગખંડમાં સ્વાયત્તતા/સ્વતંત્રતા:

શિક્ષક તરીકેનો વ્યવસાય તમને ઘણી સ્વતંત્રતા આપે છે, એક વખત તમે વર્ગખંડમાં પ્રવેશ કર્યો પછી એ તમારું સામ્રાજ્ય હોય છે જ્યાં તમે તમારી સર્જનાત્મકતા ને ખીલવી શકો છે, ભાગ્યે જ બીજો કોઈ વ્યવસાય આટલી સર્જનાત્મકતા અને સ્વાયત્તતાને અવકાશ આપે છે.

૮. પારિવારિક જીવન માટે આશીર્વાદરૂપ:

જો તમારે બાળકો હોય તો મોટે ભાગે તમારા અને તેના કામના દિવસો તેમજ રજાઓ સાથે આવતી હોય તેમ બને. આ કારણે વ્યાવસાયિક તાણ રાખ્યા વગર પણ તમે બાળકો તેમજ પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. તમે શાળાનું કામ ઘરે પણ લાવીને કરી શકો છો. આ ઉપરાંત તમે પણ લગભગ તમારા બાળકો ઘરે પહોચે એ સમયે ઘરે પહોચી તેમની સાથે રહી શકો છો તેમની સંભાળ લઈ શકો છો જે બીજા વ્યવસાયમાં લગભગ અશક્ય છે.

૯. નોકરીની સુરક્ષા:

ઘણા સમુદાયોમાં શિક્ષકો મળવા દુર્લભ હોય છે. અથવા તો કહી શકાય કે સારા શિક્ષકો મળવા દુર્લભ હોય છે. તમને શિક્ષક તરીકે નોકરી મળી જાય એ ખૂબ સ્વાભાવિક બાબત છે. જો કે તેના માટે સામાન્ય રીતે  નવું શૈક્ષણિક સત્ર કે વર્ષ શરૂ થાય તેની રાહ જોવી પડતી હોય છે, તેમજ તમારા વિસ્તાર કે નજીકના સ્થળોએ મુસાફરી કરવાની તૈયારી પણ રાખવી પડે છે. પરંતુ જ્યારે શિક્ષક તરીકે તમે એકવાર તમારી જાતને સાબિત કરી દીધી હોય પછી તમને આસાનીથી બીજા સ્થળે પણ નોકરી મળી શકે છે.

૧૦. ઉનાળાની રજાઓ:

શિક્ષક તરીકે તમને ઉનાળાની રજાઓ મળે છે. એ સમય દરમિયાન તમે બીજું કામ કરી શકો છો, ટુર પર જઇ શકો છો અથવા માત્ર આરામ કરી રાજાઓનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત તમને ક્રિસમસ કે સ્થાનિક તહવારોની પણ રજાઓ પણ મળે છે. આ બધી રજાઓ એ અધ્યાપન ના વ્યવસાયનો એક મોટો ફાયદો છે જે તમને રોજિંદા જીવનમાંથી સારો એવો અવકાશ પૂરો પાડે છે.